જાણો શા માટે ભગાવન કૃષ્ણએ મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની જ ભૂમિ પસંદ કરી, આ છે તેની પાછળ છુપાયેલુ રહસ્ય
શું તમે જાણો છો ..?
કુરુક્ષેત્ર એ કર્મભૂમિ છે જ્યાં મહાભારતનું ભયંકર યુદ્ધ થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ પણ આપ્યો હતો. મહાભારત પૂરું થઈ ગયું, પરંતુ આજે પણ તેનો ઉલ્લેખ ચાલુ છે. ધર્મ અને અધર્મની લડાઈની ઘણી કથાઓ આજે પણ એક રહસ્ય છે. જેમ કે મહાભારત યુદ્ધ માટે ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્ર કેમ પસંદ કર્યું? છેવટે પૃથ્વી પર અનેક એવી જગ્યાઓ હતી જ્યાં યુદ્ધ સરળતાથી લડી શકાય, પણ કુરુક્ષેત્ર જ શા માટે? તો ચાલો આજે મહાભારત સાથે જોડાયેલા આ રહસ્યને પણ ઉજાગર કરીએ.
આપણે બધાં જાણીએ છીએ કે મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધમાં લાખો-કરોડો યોદ્ધાઓ માર્યા ગયા હતા. આ યુદ્ધ માટે જમીન શોધવાની જવાબદારી ભગવાન કૃષ્ણ પર હતી. કૌરવો અને પાંડવો વચ્ચેના થવાના યુદ્ધ માટે શ્રી કૃષ્ણ ને એક એવી જમીન જોતી હતી, જેનો ઇતિહાસ ભયંકર રહ્યો હોય.
તેઓ જાણતા હતા કે આ યુદ્ધ ભાઈઓ અને નજીકના લોકો વચ્ચે થવાનું છે. યુદ્ધના મેદાનમાં તેમના પ્રિયજનોને મરતા જોઈને યોદ્ધાઓના મનમાં સમાધાનની ભાવના પેદા થઈ શકી હોત. તેથી તેઓ એક એવી યુદ્ધભૂમિ ઇચ્છતા હતા જેનો ઇતિહાસ ગુસ્સા અને નફરતથી ભરેલો હતો.
આવી જમીન શોધવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સંદેશવાહકોને બધી દિશામાં ફેલાવી દીધાં. આ દરમિયાન કુરુક્ષેત્ર વિશે માહિતી લઈને એક દેવદૂત ભગવાન પાસે ગયો. સંદેશવાહકે જણાવ્યું હતું કે મોટા ભાઈએ તેના નાના ભાઈને આ સ્થળે ખેતરના મેંઢમાંથી વહેતા પાણીને રોકવાનો આદેશ આપ્યો હતો. ત્યાં જ નાના ભાઈએ તેના મોટા ભાઈની વાત ના માની. જ્યારે નાના ભાઈએ વાત ન માની ત્યારે મોટા ભાઈએ ગુસ્સે થઈને પોતાના જ ભાઈને છરી વડે મારી નાખ્યો.
એટલું જ નહીં, તેણે પોતાના ભાઈના મૃતદેહને મેંઢ પાસે મૂકી પાણી રોક્યું હતું. સંદેશવાહકની વાત સાંભળ્યા પછી ભગવાને નિશ્ચિત કરી લીધું કે ભાઈ-ભાઈના યુદ્ધ માટે આની સિવાય બીજી કોઈ યોગ્ય જગ્યા ન હોઈ શકે. એટલે જ મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું.