આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે, હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિએ કરી આગાહી….

ચોમાસાએ વિરામ લીધો છે. વરસાદની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિએ આગાહી કરી છે કે આગામી 19 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થશે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની ભારે અછત સર્જાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે પરંતુ વાવણીલાયક વરસાદની કમી જણાઈ રહી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિએ જણાવ્યું છે કે બંગાળની ખાડી ઉપર આજથી એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે જે પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. જેના કારણે આગામી 19 ઓગસ્ટ બાદ રાજ્યમાં સત્તાવાર ચોમાસુ ફરી સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે ગુરુવાર બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના ડારેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા અનુસાર આગામી 19 ઓગસ્ટ બાદ નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને ખેડામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.

આ સિવાય મનોરમા મોહંતિએ જણાવ્યું છે કે કેટલાક જિલ્લામાં ગુરૂવારથી શનિવાર સુધી 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. ગુજરાતના જે જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને સુરેંદ્રનગરનો સમાવેશ થાય છે.

શ્રાવણમાં ભાદરવા જેવી ગરમી : અમદાવાદમાં વરસાદ ખેંચાતાં ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી થઇ ગયું હતું. દિવસ દરમિયાન ખુબજ તાપ અને ગરમીથી લોકો અકળાયા હતા. આગામી બે દિવસ અમદાવાદમાં ૩૬ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. જોકે, ગુરુવારથી ગરમીમાં ઘટાડો અનુભવાશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુરુવારથી મેઘરાજાની પધરામણી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *