ગુજરાતના આ જિલ્લાઓમાં બારેમેઘ ખાંગા, જાણો ક્યાં જિલ્લાઓમાં કેટલા ઇંચ પડ્યો વરસાદ

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ ગુલાબ વાવાઝોડાને પગલે ધોધમાર વરસાડ પડ્યો છે. જિલ્લામાં 14 કલાકમાં જ મૌસમના 12% વરસાદ પડતાં જનજીવન ઠપ થયું છે. સૌથી વધુ ભરૂચમાં 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો છે, તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, સેવાશ્રમ રોડ, કસક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સવારના નોકરિયાત વર્ગને ભારે હાલાકી પહોંચી હતી, તો અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ગિરિમથક સાપુતારા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અધધધ કહી શકાય એટલો 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે નદીઓ, નાળાં, કોતરડા અને ધોધ ગાંડાતૂર બનીને વહી રહ્યાં છે, જેને પગલે તંત્રે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે, જ્યારે જિલ્લાના 22 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

અમરેલીમાં સવારે એક ઈંચ તો બાબરામાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

વલસાડ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડામાં 6.8 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વલસાડમાં પણ 6.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે મધુબન ડેમના 7 દરવાજા રાત્રે 1 વાગ્યે ખોલવામાં આવ્યાં છે. સેલવાસ, વલસાડ અને દમણના વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ડિઝાસ્ટર વિભાગે દમણ, સેલવાસ અને વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામના લોકોને નદીના તટથી દૂર રહેવા અને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં વરસાદી પાણીની આવક વધી રહી છે. ડેમમાં છેલ્લા 8 કલાકમાં ડેમના ઉપરવાસમાં 15.94 ઇંચ વરસાદ પડ્યો છે, જેને લઈને ડેમમાંથી રાત્રે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં ડેમના 7 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને 8 લાખ 95 હજાર 345 ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને લઈને સેલવાસ, વલસાડ અને દમણના વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *