હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં હજુ 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની સંભાવના ,ગુલાબ વાવાઝોડાની અસર વરતાઈ

ગુજરાતમાં આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12 થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં જબરદસ્ત વરસાદ શરૂ થયો હતો. ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન અમદાવાદમાં 25 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હજુ વરસાદની 40 ટકા જેટલી ઘટ છે. જોકે, રાહતની વાત એ છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. વાસણા બેરેજનું હાલનું લેવલ 129.75 ફૂટ પર છે. વાસણા બેરેજના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં તો મેઘરાજા મન મૂકીને વરસશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે . હવામાન વિભાગ અનુસાર બુધવાર અને ગુરૂવારના મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતા છે. પણ 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.

તા. 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતાં બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના આ૫વામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *