ગુજરાતમાં કમોસમી વરસાદ નો કહેર શરુ, ખેડૂતો પરેશાન, કેટલીક જગ્યાએ પોલીસ LRDની કસોટી મોકૂફ, જાણો વિગતવાર

શિયાળાની ઠંડીમાં ગુજરાત ચોમાસાનો અનુભવ કરી રહ્યું છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં માવઠાના અહેવાલો મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં 108 જેટલા તાલુકામાં બુધવારે કમોસમી વરસાદ પડ્યો હતો.

સૌથી વધુ કમોસમી વરસાદ સુરતના ઉમરપાડામાં (31 મિલીમીટર), અમરેલીના ખાંભા અને ગીર સોમનાથના ઉનામાં (25 મિલીમીટર) પડ્યો હતો.

માવઠાને પગલે રાજ્યના તાપમાનમાં સામાન્ય કરતાં 12 ડિગ્રીનો ઘટાડો થયો હતો. તો આ કમોસમી વરસાદને પગલે પાકને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ભારત સરકારના હવામાનવિભાગ મુજબ હવામાનમાં અચાનક આવેલા પલટા પાછળ અરબી સમૃદ્રમાં સર્જાયેલું નીચું દબાણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે. તેને પગલે રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારે વરસાદી માહોલ જોવા મળશે.

ગુરુવારે સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં તથા શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે.

આ આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નવસારી, નર્મદા, તાપી, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથે જ 30 અને 40 કિલોમિટર પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

તો આ કમોસમી વરસાદને પગલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર/લોકરક્ષકદળની 3 અને 4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ અને IPS અધિકારી હસમુખ પટેલે આ અંગે ટ્વિટર પર જાણકારી આપી છે.

તેમણે ટ્વિટર પર લખ્યું, “ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમેરેલી, વાવ-સુરત તથા નડિયાદનાં મેદાનો ખાતે યોજાનારી શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે હવે નવી તારીખો જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે હાલમાં ગુજરાતમાં અનેક યુવક-યુવતીઓ પોલીસ ભરતીપરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. 23 ઑક્ટોબરના રોજ લોકરક્ષકદળની ભરતીની જાહેરાત બાદ 9 નવેમ્બર સુધી ઑનલાઇન અરજી સ્વીકારાઈ હતી.

રાજ્ય સરકારને 9,46,524 અરજીઓ મળી છે, જેમાં પુરુષ અને મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ સાડા નવ લાખ જેટલા ઉમેદવારો માત્ર 10459 જગ્યા માટે સ્પર્ધા કરી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાથી બીબીસીના સહયોગી દિલીપ મોરી જણાવે છે કે ગત રાતથી ઉનાના નવાબંદરનો દરિયો તોફાની બન્યો છે અને એના કારણે 10 બોટો દરિયામાં જ ભાંગી પડી હતી.

આ બોટમાં સવાર કુલ 12 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા. જોકે ચાર માછીમારો જાતે જ અન્ય માછીમારોની મદદથી બહાર આવી ગયા હતા અને આ લખાય છે ત્યાં સુધી આઠ માછીમારો લાપતા છે.

વહેલી સવારથી કોસ્ટ ગાર્ડનાં હેલિકૉપ્ટરો અને નૅવીનાં પ્લેન સહિત નવાબંદર પોલીસ અને સ્થાનિક માછીમારો દ્વારા આઠ લાપતા માછીમારો અને 10 બોટોને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે.

તો ગીર સોમનાથના કલેક્ટર આર.જી. ગોહિલે નવાબંદરની મુલાકાત લીધી. પોલીસ તેમજ તંત્રને તહેનાત રહેવા જણાવાયું હતું અને એનડીઆરએફની એક ટીમની પણ મદદ લેવાઈ હતી.

અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતાં જાફરાબાદ બંદર નજીક માછીમારી કરી રહેલી બોટે જળસમાધિ લીધી હતી. જોકે આસપાસમાં અન્ય હોડીઓ હોવાથી આઠ માછીમારોનો બચાવ થયો હતો.

આ અંગે સરકાર દ્વારા માછીમારોને અગાઉથી કોઈ સૂચના અપાઈ ના હોવાનો માછીમાર આગેવાને આક્ષેપ કર્યો હતો.

જાણવા મળ્યું છે કે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે જાફરાબાદ બંદરથી 10 નોટિકલ માઈલ દૂર જાફરાબાદના શંકરભાઈ કાનાભાઈ બારૈયાની ચામુંડા નામની બોટ ભારે પવનના કારણે દરિયામાં ડૂબી ગઈ હતી.

બીજી તરફ આ વિસ્તારમાં દરિયાકાંઠે પવનની તેજ ગતિ યથાવત્ રહેતા માછીમારો ચિંતિત બન્યા છે.

જાફરાબાદ ખારવા સમાજ બોટ ઍસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કહ્યું કે, “ખરાબ હવામાનના કારણે અમારી એક બોટ ડૂબી ગઈ છે અને હજી પણ 200 જેટલી બોટ દરિયામાં છે, જે પરત આવી રહી છે. અમને બોટ પરત લાવવા માટે કોઈએ સૂચના આપી નથી.”

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ માવઠું થયું છે અને ખેડૂતોને નુકસાનની ભીતિ છે.

ધોળકા વિસ્તારમાં ઘઉં, ડાંગર, એરંડા અને શાકભાજી ઉગાડવામાં આવે છે. ખેડૂતોએ કહ્યું કે હાલમાં ડાંગરના ઢગલા પડ્યા છે અને એ પલળી જવાની ભીતિ છે.

ખેડૂતોએ જણાવ્યું કે અગાઉ આવેલા તૌકતે વાવાઝોડાને લીધે તેમનાં ઘરોનાં પતરાં ઊડી ગયાં હતાં, અધિકારીઓ જોવા માટે આવ્યા હતા, પણ પછી કંઈ મળ્યું નથી.

ખેડૂતો કહે છે કે આ માવઠાને લીધે સૌથી વધુ ઘઉંમાં નુકસાન થવાની શક્યતા છે, કાકડી પણ બગડી જવાની શક્યતા છે.

મીડિયા અહેવાલો અનુસાર, એક તરફ ખેતરોમાં ઘઉં, ચણા, ધાણા, જીરું, લસણ, શાકભાજી સહિતના પાક ઊભા છે અને માર્કેટયાર્ડમાં પણ પાક રાખેલા છે, જેને આ માવઠાને લીધે નુકસાન થવાની શક્યતા છે.

અહેવાલો અનુસાર, માવઠાને લીધે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં હરાજી બંધ કરવામાં આવી છે. રાજકોટના જસદણમાં ગઈ કાલે આવેલા વાવાઝોડામાં મકાનોનાં પતરાં ઊડી ગયાં હતાં.

સુરતથી બીબીસીના સહયોગી ધર્મેશ અમીન જણાવે છે કે ગઈ કાલથી દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

તેઓ જણાવે છે કે ચીકુના પાકને નુકસાન થવાની શક્યતા છે, જોકે શેરડીના પાકને નુકસાન થવાની શક્યતા ઓછી છે. હાલના સમયમાં આંબાને મોર બેસતા હોય છે, એવા સમયે આંબાને પણ નુકસાન થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *