રાજ્યના 42 તાલુકાઓમાં કમોસમી વરસાદ, જવાદ વાવાઝોડું બન્યું ગુજરાત માટે ખતરો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ફરી એક વાર ગુજરાતમાં માવઠાનું સંકટ ઉભું થયું છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ સુધી કમોસમી વરસાદનું વાતાવરણ રહેશે. 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાન ઘટશે. 3 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી : અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં હજુ કમોસમી વરસાદ ગયો નથી. ડિસેમ્બરના અંત સુધી કમોસમી વરસાદનું સંકટ રહેશે. શિયાળા વચ્ચે ચોમાસાનો માહોલ યથાવત રહેશે. 19થી 21 ડિસેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. 28થી 30 ડિસેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. 4 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. ઓડિશા, મહારાષ્ટ્રમાં ચક્રવાતનો ખતરો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 24 કલાકમાં 130 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો ગઇકાલે રાત્રે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દીવ, જાફરાબાદ અને ઉના સહિતના દરિયાકાંઠા પર ભારે પવન ફૂંકાયો હતો. આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ગીર સોમનાથના નવા બંદરે ભારે પવનના કારણે 30 બોટને નુકસાન થયું છે.

દરિયામાં ભારે કરંટના કારણે 15 જેટલી બોટ તણાઈ અને 10 જેટલી બોટ ડૂબી હતી. તો 10 માછીમાર ડૂબ્યા હતા, જેમાંથી 3ને બચાવી લેવાયા છે, જ્યારે ગૂમ ખલાસીઓની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. મુખ્યમંત્રીએ બચાવ-રાહત કામગીરી ઝડપી કરવા સૂચના આપી છે. નેવી, હેલિકોપ્ટર અને વહીવટી તંત્ર, પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ હતી અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ હતી. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાની ભીતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *