કેવી રીતે ગામડાનો છોકરો બન્યો ‘મેહુલ બોઘરા 2 વર્ષની ઉંમરે ન્યુમોનિયા થયો, માતા-પિતાએ ગામમાં રખડીને રૂ.500 ઊઘરાવી ઈલાજ કરાવ્યો હતો જાણો

હાલ ગુજરાતમાં એક વ્યક્તિનું નામ ખૂબ ચર્ચામાં છે. આ વ્યક્તિ એટલે સુરતના એડવોકેટ મેહુલ બોઘરા. સુરતમાં TRB જવાનના હુમલાનો ભોગ બનેલા એડવોકેટ સારવાર બાદ ઘરે પાછા ફર્યા છે. મેહુલ બોઘરાને આખા ગુજરાતમાંથી જબરદસ્ત સમર્થન મળ્યું છે. સોશિયલ મીડિયામાં પણ તેમની તરફેણમાં જુવાળ ઊભો થયો છે. ત્યારે લોકોના મુખે એક જ સવાલ છે કે રાતોરાત ચર્ચામાં આવેલા આ મેહુલ બોઘરા કોણ છે? આ અંગે દિવ્ય ભાસ્કરે મેહુલ બોઘરા સાથે વાત કરી હતી, જેમાં તેમના બાળપણથી લઈને તેમના વિઝન અંગેની વાતો જાણો હતી.

સુરતની ઘટના બાદ ભલે મેહુલ બોઘરા આજે આખા રાજ્યમાં લાઇમલાઇટમાં આવ્યા હોય, પણ આમ તો તેઓ છેલ્લાં 2 વર્ષથી હપતાખોરી સામે લડી રહ્યા છે. આ અંગેના વીડિયો પણ તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં શૅર કરતા રહે છે. મેહુલ બોઘરાનો જન્મ અમરેલીના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતા મેહુલ બોઘરાના પરિવારમાં પત્ની ક્રિષ્નાબેન, પિતા મનસુખભાઈ, માતા શારદાબેન અને ભાઈ મનોજ છે. તેઓ સંયુક્ત પરિવાર સાથે સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે. તેમનો પરિવાર વર્ષ 2002ની ગામડેથી સુરત રહેવા આવ્યો હતો.

બાળપણમાં ન્યુમોનિયા થયો હતો, 46 ઈન્જેક્શન લેવા પડ્યાંપોતાના બાળપણના સંઘર્ષ અંગેની વાતચીત કરતાં મેહુલ બોઘરાએ જણાવ્યું હતું, ‘માતા-પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, એટલે સંઘર્ષ અને શક્તિ બંને મારા પરિવાર અને માતાપિતા પાસેથી શીખી છે. 2-3 વર્ષની ઉંમર હશે એ વખતે, મને ન્યુમોનિયા થયો હતો. એ ગંભીર બીમારી કહેવાતી હતી. ઈલાજ માટે 500 રૂપિયાની જરૂર હતી. મારા પિતા પાસે એ પણ નહોતા. તેમણે ગામમાં રખડીને 500 રૂપિયા એકઠા કરીને મારો ઈલાજ કરાવ્યો હતો. સંઘર્ષ ત્યાંથી શીખ્યો. ન્યુમોનિયા થયો ત્યારે જ મને 46 ઇન્જેકશન લાગ્યાં હતાં, એટલે સંઘર્ષ અને શક્તિ ત્યાંથી જ આવી.’

જજ બનવું હતું, પણ..મેહુલ બોઘરાએ આગળ જણાવ્યું હતું, ‘હું જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે ગામમાં એક જજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એ જોઈને મને થયું કે આમાં તો બહુ મજા આવે. કંઈ સંઘર્ષ કરો કે કંઈક બનો તો કેવું સ્વાગત થાય છે. સમાજમાં સારો સંદેશો જાય છે. ત્યારથી નક્કી કર્યું હતું કે જજ બનવું છે, પરંતુ વકીલ બનીને ફિલ્ડમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે દેશના પ્રશ્નો બહુ બધા છે. બેઈમાનો બહુ છે, ભ્રષ્ટાચાર છે, સત્તાના દુરુપયોગ ઘણા છે. આ તમામની સામે અવાજ ઉઠાવવો હોય તો જજ બનીને તો હું આ દાયરામાં આવી જઈશ અને આ શક્ય નથી. તમામ બેઈમાન અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે અને એ અવાજ રસ્તા પર આવીને ઉઠાવવો પડશે તથા આ અવાજ કોર્ટ સુધી પહોંચાડવો પડશે. એટલે પછી નક્કી કર્યું કે હવે વકીલ જ રહેવું છે.’

ઘરનું ગુજરાન કઈ રીતે ચાલેમેહુલ બોઘરાએ 1થી 4 ધોરણ ગામની સ્કૂલમાં પૂરું કર્યું હતું. ત્યાર બાદ કોલેજ સુધીનો અભ્યાસ સુરતમાં પૂરો કર્યો હતો. તેમણે વકીલાતની ડીગ્રી એમએસ યુનિવર્સિટી વડોદરાથી લીધી હતી. પોતાના પ્રોફેશન અંગે બોઘરાએ જણાવ્યું હતું, ‘હાલ સમાજસેવાની સાથે હું વકીલાત પણ કરું છું. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પણ મારા કેસ ચાલે છે.

મેઇન પ્રોસિડિંગ ક્રિમિનલ છે. એમાંથી જ ઘરનું ગુજરાન ચાલે છે. એવા ઘણા કિસ્સા છે, જ્યારે સમાજસેવામાં મેં મારા પોતાના ખિસ્સામાંથી રૂપિયા વાપર્યા હોય, પણ આજ સુધી ફંડ-ફાળા ઉઘરાવ્યા નથી. આ સિવાય મોટા ભાઇ ઓનલાઇન બિઝનેસ કરે છે અને પિતા જમીન મકાનમાં બ્રોકરેજનું કામ કરે છે.’

ટ્રાફિક-પોલીસવાળાઓએ મારી સાથે સેલ્ફી પણ લીધીસારા અનુભવો ઘણા છે. ઘણા પોલીસમિત્રો છે, પણ જેણે નેગેટિવિટી ફેલાવવી છે તે તો એ જ કરશે. પોલીસ અધિકારી સાથે બેસીને ચા-પાણી પણ કરીએ છીએ. હું વકીલાત વર્ષ 2016થી કરું છું. સોશિયલ મીડિયયા પર લાઇવ કરવાનું 2020થી શરૂ કર્યું છે. પહેલા મારી લડાઈ લેખિતમાં હતી. એવું કંઈ નથી કે પોલીસ સાથે મારી નજર નેગેટિવ જ હશે.

પોલીસમાં પણ પોઝિટિવ છે અને અંદર જે ખરાબ વસ્તુ છે, એની માહિતી પણ ઈમાનદાર પોલીસ જ આપે છે. 17 ઓગસ્ટની જ વાત છે. હું હજીરાથી પસાર થયો. મેં ગાડી ઊભી રાખી, ટ્રાફિકકર્મચારી પાસે આવ્યા. તેમણે મારી સાથે સેલ્ફી લીધી અને કહ્યું કે મેહુલભાઈ તમે જે કરી રહ્યા છો, એ ખૂબ જ સરસ કરો છો. અમે પણ તમારી સાથે છીએ. તમારી લડત ચાલુ રાખજો. જે વ્યક્તિ ઈમાનદાર છે, તેમને તો દરેક ઈમાનદાર વ્યક્તિ પસંદ જ હોય.’

જીવનનો સૌથી ખરાબ અનુભવ’હાલ જે ઘટના બની છે એ મારી જિંદગીનો સૌથી ખરાબ અનુભવ છે. આજદિન સુધી મેં ઘણાબધા લાઇવ કર્યા છે, પરંતુ મેં એવી કોઈ ભાવના નથી રાખી કે કોઈ લાઇવ થયું કોઈને મેં સબક શિખવાડ્યો, કોઈ પાસે દંડ ભરાવ્યો, કોઈ પોલીસ હોય કે અન્ય હોય, તેમની સાથે કોઈ પર્સનલી ભેદ નથી રાખ્યો, અદાવત રાખી હોય એવું ક્યારેય નથી બન્યું.

ઠીક છે કાયદાનો ભંગ કર્યો હોય તો દંડ ભરીને ત્યાં વાત પૂરી થઈ જાય છે, પરંતુ અદાવત રાખીને કોઇની ઉપર જાનલેવા હુમલો કરી દીધો. હું વકીલ છું. વકીલ તરીકેનું કામ કરું છું. સામાજિક રિફોર્મનું કામ કરું છું. એમાં આ હુમલા કરવામાં આવે એ મારી જિંદગીનો દુઃખદાયી અનુભવ રહેશે. ભવિષ્યમાં હું આવો અનુભવ કરવા માગતો નથી.’

રાજકીય પાર્ટીની ઓફર’ઓફરો તો તમામ પાર્ટીની આવતી હોય, પરંતુ એનાથી કંઈ ફરક ના પડે, કારણ કે મારો અત્યારે કોઈ પોલિટિકલ વિચાર નથી. જે જનતા માટે અવાજ ઉઠાવું છું એ જનતા જ મારા રાજકારણનું ભવિષ્ય નક્કી કરશે. જ્યારે જનતાને એવું લાગશે કે મેહુલ બોઘરા પાસે પાવર છે, અવાજ છે, બોલી પણ શકે છે અને જનતાને થશે કે તમે અમારા નેતા પણ હો ત્યારે નેતા પણ બનીશ, પરંતુ હાલ કોઈ વિચાર નથી. વિધાનસભા જે આવી રહી છે એમાં પણ કોઈ વિચારણા નથી. આ ભવિષ્યની વાત છે, ભવિષ્ય કોને ખબર હોય?’

રાજકારણ વિશે શું વિચાર છે’દરેક વ્યક્તિ જે રાજકારણી હોય છે, તેના દેશ-રાજ્ય અને જાહેર જનતા વિશેના વિચારો શરૂઆતમાં તો સારા જ હોય છે, પણ નિઃસ્વાર્થ ભાવે જાહેર જનતા માટે જ કામ કરે એવા રાજકારણીઓ બહુ ઓછા હોય છે. હમણાં રાજકારણમાં કોઈ રસ નથી, કેમ કે એ સડો છે. એ સડાને દૂર કરીને પછી કંઈ થાય એ સારી વાત છે. સડાને દૂર કરવા સમાજલક્ષી અને દેશ માટે રાષ્ટ્રપ્રેમથી કાર્યો કરવા પડે, જે લોકોપયોગી હોય. એની વાતો થાય છે પણ કાર્યો થતાં નથી. આપણે કાર્યો કરવા છે, રાજકારણ નહીં.’

ગુજરાત માટે કઈ પાર્ટી સારી છે’પાર્ટી કંઈ સારી કે કંઈ સારી નથી એ નક્કી કરવાવાળો હું નથી, પણ કામગીરીની વાત કરીએ તો લોકોપયોગી કાર્યો બહુ ઓછાં થાય છે. પછી કોઈપણ પોલિટિકલ પાર્ટી હોય. જો જાહેર જનતાના હિતમાં કાર્યો થવા લાગે તો મેહુલ બોઘરા જેવા ક્રાંતિકારીઓને અવાજ ઉઠાવવાની જરૂર જ ના પડે. એટલે મારી ઈચ્છા એવી છે કે લોકોપયોગી કાર્યો થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય કે કાલે ઊઠીને મેહુલ બોઘરા તો શું કોઈપણ વ્યક્તિને ફરિયાદ ન રહે.’

તમારું વિઝન શું છે’એક જ વિઝન છે. આ દેશમાં જનતા જ્યારે કોઈપણ કામ માટે કોઈપણ સરકારી કચેરીમાં જાય, તેનું કામ નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે થવું જોઈએ. દરેક જગ્યાએ જે ભ્રષ્ટાચારના સડા છે એ નીકળી જવા જોઈએ. જે અધિકારીઓ પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીઓમાં મનમાની ચલાવે છે. કાયદાથી ઉપર પોતાની જાતને સમજી બેઠા છે અને તાનાશાહી જેવું વર્તન કરે છે. તેમની તાનાશાહી બંધ થવી જોઈએ. મારું વિઝન એવું છે કે યુવાઓને જાગ્રત કરું. કાયદા સમજાવું અને એને અનુલક્ષીને તમામ ચાલે અને જે કાયદાનું ઉલ્લંઘન કરે છેઃ, એ તમામને બોધપાઠ આપીએ.’

મોટા ભાગના અધિકારીઓ મારી સાથે’ઘણા પોલીસ કે અન્ય કર્મચારીઓ હોઈ તેમની સાથેના સંબંધોની ગોપનિયતા રાખવી એ અતિઅનિવાર્ય છે. હું નામજોગ તમને ના કહી શકું, પણ માત્ર સુરત જ નહીં સમગ્ર ગુજરાતમાં પોલીસ સ્ટેશનના મોટા ભાગના અધિકારીઓ પણ હંમેશાં મારી સાથે હોય છે.

તેમની સાથે સોશિયલ ઇસ્યુમાં બધા સાથે મળીને કામ કરીએ છીએ. આ જ સારા અનુભવો છે, જેમાં ઇન્વેસ્ટિગેશનથી લઈને આરોપીઓને સજા થાય ત્યાં સુધી બધા એકસાથે મળીને એકપણ લુપહોલ ના રહી જાય, એ તમામ બાબતોની ઝીણવટપૂર્વક કાળજી રાખતા હોઈએ છીએ.’

કામ મેં શરૂ કર્યું છે એ પૂરું કર્યું છેએ પછી સ્કૂલ ફીનો મુદ્દો હોય. મેં લૉકડાઉનમાં સ્કૂલ-સંચાલકો સામે બાથ ભીડી હતી. સ્કૂલે બે ગરીબ બાળકોના લિવિંગ સર્ટિ. અટકાવીને રાખ્યા હતા. મેં એકપણ રૂપિયો ફી ભર્યા વગર અપાવ્યા હતા. તલાટી દ્વારા યોગ્ય કામ નહોતું થતું, ત્યારે ટેલિફોનિક રીતે સમજાવીને એક ભાઈનું કામ તરત કરાવ્યું હતું.

કરપ્શન બધી જગ્યાએ છે અને ફાઇટ આપણે બધી જગ્યાએ આપીએ છીએ. હમણાં સરદાર માર્કેટ પાસે જે હપતાખોરી ચાલતી હતી એ પણ સદંતર બંધ કરાવી. પછી ટોલનાકા પાસે ગયો હતો, એ પણ બંધ કરાવી. જે કામ મેં શરૂ કર્યું છે એ પૂરું કર્યું છે. આજદિન સુધી એવું કોઈ કામ મેં કર્યું જ નથી, જેમાં મને સંતોષ ના થયો હોય.’

શું હતી ઘટના?’જે ઘટના 18 ઓગસ્ટે બની એની શરૂઆત બહુ પહેલાં થઈ હતી. અંદાજિત એક મહિના પહેલાં મને માહિતી મળી હતી કે કેનાલ રોડ પર હપતાખોરી થાય છે ત્યાર બાદ જુલાઈની 10 તારીખની આસપાસ હું કેનાલ રોડ પર ગયો હતો

અને તેમને એક વોર્નિંગ આપી હતી કે કેનાલ રોડ પર પ્રાઇવેટ રિક્ષામાં જે હપતાખોરી કરો છો એ બંધ કરી દેજો, નહીં તો તમારા યુનિફોર્મ ઊતરાવી દઇશ. તો સાજન ભરવાડ દ્વારા મને સામે એવી ધમકી મળી કે વધી વધીને તું શું કરીશ? યુનિફોર્મ ઉતારી દઈશ ને એ પછી અમે તને જોઈ લઈશું. મને ધમકી મળતી જ હોય એટલે મેં તેમને ઇગ્નોર કર્યા. પછી તેમણે કેનાલ રોડ પર હપતાખોરી બંધ કરી અને કામરેજ રોડ પર ચાલુ કરી.

માહિતી મળી કે લસકાના રોડ પર હપતાખોરી ચાલુ છે, એટલે હું ત્યાં ગયો અને જોયું કે બે પોલીસકર્મચારી રિક્ષાની અંદર બે કર્મચારી બહાર અને બીજા 4 અજાણ્યા ઇસમો, જેમાં એક સાજન ભરવાડ હતો અને એક વાના ભરવાડ ઉપરાંત બીજા બે હતા. જેમને જોઈને હું ઓળખી શકું. એ હપતાખોરી કરતા હતા, એ જ વખતે હું ત્યાં ગયો. એ લોકોને હું ત્યાં ગયો, એની જાણ હતી જ. બધી વસ્તુ પ્રી-પ્લાન્ડ હતી કે જો મેહુલ બોઘરા આવશે તો હુમલો કરવાનો છે.

એટલે જેવું મેં લાઇવ શરૂ કર્યું ત્યારે તરત જ સાજન ભરવાડે રિક્ષામાંથી લાકડી કાઢી,. રિક્ષામાં એક પોલીસકર્મચારી હતો, જેણે લાકડી આપી. એ સાજન ભરવાડે લીધી અને મને મારી નાખવાના ઇરાદે ઉપરછાપરી ઘા ઝીંક્યા. 4-5 ઘા મારા માથા ઉપર માર્યા. શરીર પર 10-15 ઘા માર્યા. બીજા બે ઇસમોએ પણ લાકડીના ફટકા માર્યા. આ સમગ્ર ઘટના બન્યા પછી સારવાર કરાવી અને હાલ ડિસ્ચાર્જ થયો. આખી ઘટના ધમકીના ભાગરૂપે પ્રી-પ્લાન્ડ હતી, કારણ કે કોઈક ને કોઈક જગ્યાએ આમની હપતાખોરી બંધ થતી હતી અને તેમનો ઇરાદો જ હતો કે આમને મારી નાખવાનો છે.’

ગુજરાતના દરેક જિલ્લામાંથી સમર્થન મળ્યુંઆખા ગુજરાત 26માંથી એકપણ જિલ્લો બાકી નથી, જ્યાંથી સમર્થન નથી મળ્યું. વકીલો અને જાહેરજનતા સહિત તમામનો આ માટે આભાર માનું છું. લોકોની એક જ વાત હોય છે કે જે થયું છે, એ ખોટું થયું છે અને એક પ્રશ્ન તમામ કરે છે કે ભ્રષ્ટાચારીઓમાં આટલી બધી હિંમત આવે છે ક્યાંથી? કારણ કે એક વકીલ હોવા છતાં મારી ઉપર હુમલો થયો

તો સામાન્ય જનતા પર ભ્રષ્ટાચારી કેટલા જુલમ કરતા હશે એ એક અગત્યનો પ્રશ્ન દરેકના મોં પર છે. બધા કહે છે, મેહુલભાઈ તમે જલદી સ્વસ્થ થઈ જાઓ અને તમે અમારો અવાજ બન્યા છો તો કોઈ ડરવાની જરૂર નથી, પણ આ લોકોને છોડવાના નથી. વકીલ તરીકે તમારી ઉપર હુમલો કરી શકતા હોય તો જનતાની શી હાલત કરતા હશે?’

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *