સુરતમાં પોલીસ પર આક્ષેપ 15 દંડા ફટકારી માથું ફોડી નાખનાર TRBના હેડને પોલીસ છાવરી રહી છે, વકીલે કહ્યું- ઘણીવાર ધમકીઓ મળી એડવોકેટના સમર્થકોએ કર્યો હતો પોલીસ મથકનો ઘેરાવો જોવો વીડિયો
સુરતમાં ગઈકાલે યુવા એડવોકેટ મેહુલ બોઘરા પર ટી.આર.બી જવાનોના હેડ સાજન ભરવાડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઈને મેહુલ બોઘરાને માથા અને પગના ભાગે ગંભીર જાઓ પહોંચતાં સુરતની સ્મિમેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કરે મેહુલ બોઘરાની મુલાકાત લઈને ખાસ વાતચીત કરી હતી, જેમાં તેણે હુમલો થવા પાછળનાં કારણો સહિત પોલીસની ભૂમિકા અને પોલીસ પર આક્ષેપ કર્યા હતા, સાથે જ પોતાના આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં રહેશે અને રાજકારણમાં જવા અંગે કહ્યું હતું કે હજુ તેનો સમય આવ્યો નથી.
ઘટના શું હતીગત રોજ સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. મેહુલને બાતમી મળી હતી કે અહીં ટ્રાફિક-પોલીસ અને ટીઆરબી રિક્ષાચાલકો પાસે તોડ કરે છે. ઘટનાસ્થળે પહોંચેલા વકીલે હપ્તાખોરીને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજને 15 દંડા ફટકારી માર માર્યો હતો. વકીલને લોહીલુહાણ હાલતમાં સ્મિમેર લઇ જવાયા હતા. એએસઆઇ અરવિંદ ગામીતે વકીલ વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સાજન ભરવાડ, 3 પોલીસકર્મી તથા અન્ય 3 સામે આઇપીસી 302 (હત્યાનો પ્રયાસ)નો ગુનો નોંધાયો છે.
પૂર્વ આયોજિત હુમલો હતોમેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે હું અવારનવાર પોલીસ દ્વારા ચાલતી હપતાખોરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતો રહું છું, જેથી મને સાજન ભરવાડ સહિતના દ્વારા અગાઉ ધમકી મળી હતી કે હવે તું આ બધું બંધ કરી દે, નહિતર તારા પર હુમલો કરીશું, પછી ભલે અમારે 302માં જેલમાં જવું પડે. જોકે મેં ગભરાયા વગર મારી કામગીરી ચાલુ રાખી હતી, જેથી તેમણે અમુક જગ્યાએ હપતા લેવાનું બંધ કરી દીધું હતું. જોકે ગતરોજ મને ખબર પડી કે તેઓ ટેમ્પો અને રિક્ષાવાળા પાસેથી હપતા લઈ રહ્યા છે. જેથી હું ત્યાં પહોંચી ગયો હતો અને લાઈવ શરૂ કર્યું હતું. દરમિયાન સાજન ભરવાડ સહિતનાએ મારા પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. આ હુમલો તેમનું પૂર્વ આયોજિત કાવતરું હોય એ રીતે તેઓ સજ્જ હતા.
મને નહોતું કે મારા પર થશેતેમણે કહ્યું હતં કે અગાઉ પણ મને ઘણીવાર ધમકીઓ મળી ચૂકી છે, પરંતુ મારા પર આ પહેલીવાર હુમલો થયો છે. હું ત્યાં ગયો ત્યારે મને નહોતું કે મારા પર હુમલો થશે. જોકે હું એ લોકોથી ડરતો પણ નથી અને હું મારું કામ યથાવત્ રાખવાનો છું. અહીંથી બહાર નીકળ્યા પછી પણ હું અવાજ ઉઠાવતો રહીશ અને ગરીબ તથા સામાન્ય માણસ માટે જે પણ કરવાનું થતું હશે એવું કરતો રહીશ. મેં એ લોકોને કહ્યું જ હતું કે હું તમારાં ખોટાં કામો બંધ કરાવવા જે પણ કરવું પડશે એ કરીશ અને એ કરતો રહીશ.
પોલીસ આરોપીની તરફેણ કરી રહી હોવાનો આક્ષેપતેમણે વધુમાં કહ્યું કે મારા પર હુમલો કરનાર સાજન ભરવાડ જાણે પોલીસનો લાડકવાયો દીકરો હોય તે પ્રકારે કે કાર્ય કરી રહી છે. મારા પર હુમલો થયા બાદ મારા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટ્રોસિટીની ફરિયાદ કયા કારણે દાખલ થઈ છે એ પણ મને નથી ખબર. જ્યારે મારા પર હુમલો કરનાર આરોપી સામે 307ની કલમ ખૂબ મોડી લગાવવામાં આવે છે અને આરોપીની અટકાયત થયા બાદ સાજન ભરવાડને જ્યારે કોરોના તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે પણ તેને હથકડી પહેરાવવામાં આવતી નથી અને જાણે તેને સરભરા થઈ રહી હોય એ પ્રકારનું કાર્ય થતું જોવા મળી રહ્યું છે. જેથી પોલીસની પણ આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા હોય તેવા અણસાર મને મળી રહ્યા છે. સાજન ભરવાડને પકડીને એસીવાળી રૂમમાં રાખવામાં આવી રહ્યો હોવાનું પણ અમારા ધ્યાનમાં આવ્યું હોવાનું મેહુલે વધુમાં જણાવ્યું હતું.
ગાંધીજી, સરદાર, નેહરુએ પણ કાયદાની જગ્યાએ આંદોલનો ચલાવેલાસોશિયલ મીડિયા પર પોલીસ વિરોધ કામગીરી કરતાં મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરે જ છે, પરંતુ ગરીબો અને સામાન્ય લોકોનો અવાજ ઉઠાવવા માટે હાલ સોશિયલ મીડિયા ખૂબ અગત્યનું પ્લેટફોર્મ છે. જેનો ઉપયોગ કરીને હું લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યો છું. જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નહેરુ વકીલ જ હતા પરંતુ તેઓ કાયદાની રૂએ દેશને આઝાદ નહોતા કરાવી શક્યા પરંતુ તેમણે પણ આંદોલનનો લડવા પડ્યા હતા. જેથી હું પણ આંદોલનના માર્ગે તેમને સીધ્ધ કરવા માગું છું અને લોકોના જાગૃત કરીને તેમનો અવાજ ઉઠાવવા માગું છું અને એ જ રીતે હું ઉઠાવતો રહીશ.
રાજનીતિમાં ચોક્કસ સમયે આવીશમેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે રાજનીતિમાં હું ચોક્કસ આવીશ પરંતુ હાલ રાજકારણમાં આવવાનો મારો કોઈ ઈરાદો નથી અને હાલ તેનો સમય પણ થયો નથી. રાજનીતિથી ઘણો ફાયદો થતો હોય છે અને હું રાજનીતિમાં આવીને ભ્રષ્ટાચાર દૂર કરવા પણ પ્રયાસ કરીશું પરંતુ ટૂંકા સમયમાં કે નજીકના ભવિષ્યમાં મારો રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો નથી. જો અભણ અને વડીલો વયો વૃદ્ધો પણ જો રાજકારણમાં આવતા હોય તો હું તો યુવાન છું અને યુવાનોએ તો ખાસ રાજકારણમાં આવવું જોઈએ. હું કાયદાનો અભ્યાસ કરેલો છું અને ભણેલો છું જેથી મારા જેવા તમામ યુવાનોએ રાજકારણમાં ચોક્કસ આવવું જોઈએ.
આગામી વિધાનસભામાં ચૂંટણી લડવાનો ઈરાદો નથીસ્પષ્ટતા કરતા મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભામાં ચૂંટણી લડવાનો મારો કોઈ ઈરાદો નથી અને હું તેના માટે હજી તૈયાર પણ નથી. હાલ ભલે લોકોનું મને પૂરતું સમર્થન હોય પરંતુ હું રાજકારણમાં ચોક્કસ સમયે અને ચોક્કસ હેતુ સાથે આવવાનો છું. પરંતુ હજી તેનો સમય આવવાને વાર છે.
દરેક લોકોએ જાગ્રત થવાની જરૂરમેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે આજે દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે. જો લોકો જાગૃત થશે તો તેની સામે કોઈ અવાજ નહીં ઉઠાવી શકે. જોકે હાલ તો આ લોકોની એટલી હિંમત છે કે તેઓ અવાજને દબાવવા માટે ધોકા ઉઠાવી રહ્યા છે. પરંતુ જો દરેક વ્યક્તિ જાગૃત થશે તો આ લોકોને શાન ઠેકાણે આવશે અને અત્યારે હું નોલેજથી વાત કરું છું બોલું છું અવાજ ઉઠાવો છું પરંતુ મારી પાસે જો રાજકીય રીતે સત્તા હશે તો હું સામાન્ય લોકોનો અવાજ તમામ લોકો સાંભળે તે પ્રકારે સિસ્ટમમાં ફેરફાર પણ કરી શકો. તેથી રાજકારણ જરૂરી છે તેમ વધુમાં મેહુલ બોઘરાએ જણાવ્યું હતું.
પક્ષ હજી નક્કી નથી કર્યોમેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે હું કયા પક્ષમાંથી આવીશ અને ક્યારે આવીશ તે હજુ કોઈ જ નક્કી નથી અને તે વિશે વાત કરવી પણ અત્યારે વધુ પડતી છે. આગળના સમયની કહી શકાય એટલે કયા પક્ષમાંથી આવીશ અને કોની સાથે જોડાઈ અને શું કરીશ તે અત્યારે કહેવું મુશ્કેલ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.